દેશની સૌથી મોટી બેન્ક પણ 'મફતની રેવડી' અંગે ચિંતિત, કહ્યું - સરકાર રોજગાર આપવા પર ધ્યાન આપે

Mahuva, Bhavnagar | By Vishal chauhan | 08 March 2026 10:17 AM

Freebie Culture : ચૂંટણી સમયે મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષો દ્વારા અપાતા 'મફત ભેટ' (Freebies) અને બેંક ખાતામાં સીધા રોકડ જમા કરાવવાના વાયદાઓ હવે દેશના અર્થતંત્ર માટે ચિંતાનો વિષય બન્યા છે. ભારતીય સ્ટેટ બેંક (SBI) ના તાજેતરના રિપોર્ટમાં આ અંગે ગંભીર ચેતવણી આપવામાં આવી છે. તિજોરી પર કેટલો બોજ? SBI ના સંશોધન અહેવાલ મુજબ, ચૂંટણીલક્ષી મફત યોજનાઓ પાછળ રાજ્યોના જીએસડીપી (GSDP) ના 0.1% થી 2.7% જેટલો જંગી ખર્ચ થાય છે. આ ખર્ચ રાજ્યોની પોતાની કુલ મહેસૂલી આવકના લગભગ 5 થી 10% જેટલો હોય છે. રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે કે આવી યોજનાઓ પરના ખર્ચની મર્યાદા GSDP ના ચોક્કસ ટકા સુધી મર્યાદિત હોવી જોઈએ, જેથી શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી જરૂરી કલ્યાણકારી યોજનાઓ ખોરવાય નહીં. મફત નહીં, રોજગાર આપો માત્ર આર્થિક નિષ્ણાતો જ નહીં, પણ સુપ્રીમ કોર્ટે પણ આ 'રેવડી સંસ્કૃતિ' પર લાલ આંખ કરી ચુકી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "સરકારે લોકોને મફત ભેટ કે રોકડ આપવાને બદલે રોજગારના અવસરો ઉભા કરવા જોઈએ, જેથી નાગરિકો આત્મસન્માન સાથે જીવી શકે." કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે, શું આપણે સક્ષમ અને હાંસિયામાં ધકેલાયેલા લોકો વચ્ચે તફાવત ભૂલી રહ્યા છીએ? જો ભેદભાવ વગર દરેકને મફત આપવામાં આવે, તો તે માત્ર 'તુષ્ટિકરણની નીતિ' બની જશે જે દેશના વિકાસમાં અવરોધક છે. મહિલા મતના સમીકરણો SBI રિપોર્ટમાં એક રસપ્રદ બાબત એ પણ સામે આવી કે, જે રાજ્યોમાં મહિલા કેન્દ્રિત યોજનાઓ (જેમ કે લાડલી બહેના વગેરે) અમલમાં છે, ત્યાં મહિલા મતદારોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આવી યોજનાઓ ધરાવતા 19 રાજ્યોમાં 2024માં મહિલા મતદારોની ભાગીદારીમાં સરેરાશ 7.8 લાખનો વધારો થયો છે. જે રાજ્યોમાં આવી યોજનાઓ નથી, ત્યાં આ વધારો માત્ર 2.5 લાખ સુધી જ સીમિત રહ્યો છે. મફતની હોડ દેશ ડુબાડશે! એક કલ્યાણકારી રાજ્ય તરીકે ગરીબોની મદદ કરવી અનિવાર્ય છે, પરંતુ મફતની હોડમાં રાજ્યોની આર્થિક સ્થિતિ જોખમમાં ન મુકાય તે જોવું પણ એટલું જ જરૂરી છે. શું રાજકીય પક્ષો 'સેમિ ફાઇનલ' જેવી ગણાતી આ ચૂંટણીઓમાં આર્થિક શિસ્ત જાળવશે? તે જોવું રહ્યું.

https://www.youtube.com/watch?v=BOWhlJrX6cM

Posted By

Vishal chauhan